તસ્વીર/અહેવાલ -: પ્રકાશભારથી ગૌસ્વામી
ડીસા તાલુકાના રામસણ ગામના એક ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ડીસા સ્થિત “ધરણીધર ઓટો કન્સલ્ટ” ના માલિક પીરાભાઈ પટેલ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ મોદીએ રોકડા ૮ લાખ ૨૧ હજાર રૂપિયા ભરીને એક સ્કોર્પિયો ગાડી ખરીદી હોવા છતાં, તે ગાડી પર અન્ય વ્યક્તિના નામે લોન ચાલુ હોવાનું અને ગાડી બે વાર વેચવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવ્યાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, ખેડૂત ન્યાય માટે વલખાં મારી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્પેશભાઈ મોદીએ ધરણીધર ઓટો કન્સલ્ટમાંથી સ્કોર્પિયો ગાડી નંબર GJ 12 CP 3200 નંબર વાળી ગાડીના રોકડા રૂપિયા ભરીને ૮,૨૧,૦૦૦ માં ખરીદી હતી. ગાડી ખરીદ્યા બાદ અલ્પેશભાઈએ આરટીઓ ઓફિસ ખાતે પોતાના નામે ગાડી ટ્રાન્સફર કરાવવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આરસી બુકમાં પણ ગાડી તેમના નામે થઈ ગઈ હતી અને તેમાં કોઈ લોન ન લીધેલ હોવાનું સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું.
જોકે, અલ્પેશભાઈ જ્યારે આ ગાડી લઈને પસાર થતા હતા, ત્યારે અવારનવાર સીઝરો દ્વારા તેમને રોકટોક કરીને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. સીઝરોએ ગાડી પર લોન હોવાનું જણાવ્યું હતું. આથી, ખેડૂતે એયુ ફાઇનાન્સમાં તપાસ કરતાં શોકીંગ હકીકત સામે આવી. આ ગાડી પર રાઠોડ શિવરામસિંહ નગવેન્દ્રસિંહ નામના અન્ય ઇસમ નામે અગાઉ લોન થયેલ હોવાનું માલૂમ પડ્યું.
આ ઘટસ્ફોટ થતાં અલ્પેશભાઈ મોદીને જાણ થઈ કે, ધરણીધર ઓટો કન્સલ્ટના પ્રોપ્રાઇટર પીરાભાઈ પટેલે આ જ ગાડી બે અલગ-અલગ ઇસમોને વેચીને તેમની સાથે છેતરપિંડી આચરી છે. આ મામલે ઓટો કન્સલ્ટ પ્રોપ્રાઇટર સહિત બેંક કર્મીઓ અને અન્ય લોકોએ પણ છેતરપિંડીમાં ભાગ લીધો હોવાનો આરોપ અલ્પેશભાઈએ કર્યો છે.
આ છેતરપિંડીની જાણ થતાં, અલ્પેશભાઈ મોદીએ તારીખ ૧૧-૦૨-૨૦૨૫ ના રોજ ડીસા દક્ષિણ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી. જોકે, ફરિયાદ આપ્યાને ત્રણ મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, પોલીસ દ્વારા છેતરપિંડી આચરનાર ઈસમો સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં, ખેડૂત ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
અલ્પેશભાઈ મોદીએ જીલ્લા પોલીસ વડા તેમજ ડીસા ડીવાયએસપી ને પણ લેખિત ફરિયાદ આપી છે, પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો તેમણે કર્યા છે. તેમણે પોલીસ પર છેતરપિંડી આચરનાર ઇસમોને છાવરવાનો પણ આરોપ લગાવ્યો છે.
અરજદાર અલ્પેશભાઈ મોદીની માંગ છે કે, લેખિત અરજી બાદ છેતરપિંડી આચરનાર તમામ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને તેમને ન્યાય મળે. તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે, પોલીસ તેમને ક્યારે ન્યાય અપાવશે અને છેતરપિંડી આચરનાર ઈસમો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે.
અલ્પેશભાઈ મોદીએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ડીસા દક્ષિણ પોલીસ દ્વારા તેમની અરજી ધ્યાને લઈને સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં તેઓ કોર્ટના દરવાજા ખખડાવશે. આ કિસ્સો પોલીસની કાર્યપ્રણાલી અને સામાન્ય નાગરિકોના ન્યાય મેળવવાના હક પર ગંભીર સવાલો ઉભા કરે છે.



