તસ્વીર -: અહેવાલ: રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પનવરે જિલ્લાની મુલાકાત લઈ અમલીકરણ અધિકારીઓ સાથે રિવ્યૂ મીટીંગ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ જિલ્લામાં સફાઈ કામદાર માટે કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી. આ પ્રસંગે ઉપાધ્યક્ષાએ જણાવ્યું હતુ કે, સફાઈ કામદારોને મુખ્ય ધારા સાથે જોડવા માટે શિક્ષણ, આરોગ્ય અને આવાસની સુવિધા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે. આપણા વડાપ્રધાનશ્રી સ્વચ્છ ભારત મિશન થકી સફાઈ કર્મીઓને સન્માનિત કરી તેમના માટે મેડિકલ કૅમ્પો શરૂ કરી આરોગ્યની દરકાર કરી રહ્યાં છે. આ કેમ્પ રેગ્યુલર કરવા જણાવ્યું હતુ.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ વર્ગોની સમસ્યા સંભાળી તેના નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવે. સફાઈ કર્મીઓને દર મહિને ૧ થી ૭ તારીખમાં પગાર મળે તેમજ પી. એફ કપાય, તેમને સિઝન મુજબ યુનિફોર્મ મળે, તેમનું ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવે. જરૂરી માસ્ક, મોજા વગેરે પુરા પાડવા જણાવ્યું હતું. અમલીકરણ અધિકારીઓને આવા કર્મીઓ સાથે મહિનામાં એક વાર મીટીંગ કરી તેમની સમસ્યા સંભાળી હલ કરવા જણાવ્યું હતુ. સફાઈ કર્મીઓને તેમના અધિકારો, માહિતગાર કરવા માટે કેમ્પ તેમના વિસ્તારમાં કરવા, સેફ્ટી ટેન્કમાં સફાઇ કર્મીને ઉતારવો ગુન્હો છે. જેની જાણકારી તમામ લોકો સુધી પહોંચવી જોઇએ. સફાઈ માટે કર્મચારીને નહીં પરંતુ મશીનનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સુ ક્રિષ્ના વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, શિક્ષણ વિભાગ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ, સફાઇ કર્મીઓની એજન્સીના માણસો, સફાઈ કર્મચારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા


.
