જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં પરિણીતાને અર્ધનગ્ન કરીને સરઘસ કાઢવામાં આવ્યું છે. તાલિબાની સજાનો આ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ પરણિત મહિલા તેના પ્રેમીના ઘેર મળવા ગઈ હતી. આ સમય દરમિયાન ગામજનો તેને જોઈ જતા ઘરમાંથી બહાર કાઢીને લાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે મહિલાની ફરિયાદ નોંધીને 15 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, દાહોદના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસીગભાઇ રાઠોડ સાથે સંબંધ હતો. તે 28મી જાન્યુઆરીના રોજ તેના પ્રેમી ગોવિંદભાઇના ઘેર મળવા ગઈ હતી. ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રૂપાખેડા ગામના લોકો મળીને પ્રેમીના ઘરમાં ઘૂસી ગયા હતા.જ્યાં પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો. જે બાદ પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક પાછળ સાંકળ સાથે બાંધી ઢાલસીમળ ગામે જાહેર રોડ પર ઘસડીને લઈ જવામાં આવી હતી.આ લોકોએ પરિણીતાને આવી જ અર્ધનગ્ન હાલતમાં સસરાના નવા મકાને લઈ જઈ ત્યાંથી તેના ઘરે લાવ્યા હતા. પરિણીતાને રોડ પર ઢસડતા ટોળામાંથી જ કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. જે બાદ આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. વીડિયો વાઇરલ થતાની સાથે જ દાહોદ પોલીસે ત્યાં જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસ ભોગ બનનાર પીડિતા પાસે પણ પહોંચીને તેનું નિવેદન લીધું હતું. પોલીસે 15 લોકો સામે વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
