અમદાવાદ: સ્વાદના રસિયાઓ અને ખાસ કરીને મહિલાઓ બીજીકોઈ વાતે સંમત થાય કે ન થાય, એક વાતે ચોક્કસ સંમત થાય, કે જેણે જીવનમાં પાણીપુરી નથી ખાધી, તેણે ખરેખર જીવનમાં કંઈ ખાધુ જ નથી. જ્યારે પણ પાણીપુરીનું નામ આવે છે, ત્યારે મોંમાં પાણી આવી જાય છે. એવા બહુ ઓછા લોકો હશે જેમને પાણીપુરી પસંદ ન હોય. મહિલા, પુરુષ અને બાળકો તમામને ભારતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાણીપુરી ગમે છે. પાણીપુરી એક એવી વસ્તુ છે કે, જે નાના બાળકોથી માંડી મોટી ઉંમર સુધીના લોકો દરેક વ્યક્તિઓને પસંદ જ હોય છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓની તો, પાણીપુરી પહેલી પસંદ હોય છે.
માર્કેટમાં આવી ઈમોજી પાણીપુરી
પાણીપુરીના રસિયાઓએ વિવિધ જગ્યાની અલગ અલગ સ્વાદવાળી પાણીપુરી ટ્રાય કરી હશે. જેમાં મોટાભાગના લોકોએ બરફવાળી પાણીપુરીથી લઈ આઈસ્ક્રિમવાળી પાણીપુરી, સોનાના વરખવાળી પાણીપુરી ખાઈ લીધી હશે. જે બાદ હવે માર્કેટમાં ઈમોજી પાણીપુરી ટ્રેન્ડમાં આવતી જોવા મળી રહી છે. જી હાં, હવે તમને વોટ્સએપમાં આપણા ઈમોશન દર્શાવતા ઈમોજીના શેપવાળી પાણીપુરી ટ્રેન્ડમાં આવી છે.
આલ્ફા વન મોલની અંદર ખાવા મળશે ઈમોજી પાણીપુરી
અમદાવાદના આલ્ફા વન મોલની અંદર ફૂડ કોર્ટમાં શેરીટ કંપની દ્વારા આ નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઇનોવેટિવ ફૂડ પ્રોડક્ટ એલએલપી 10 વર્ષ જૂની કંપની છે. આ કંપની દ્વારા ઈમોજી પાણીપુરી બનાવવામાં આવી છે. હાલ તે 20 જેટલા ઈમોજીની પાણીપુરી બનાવી રહ્યા છે.
થોડા દિવસમાં લોકોનો સારો પ્રતિસાદ
આ કંપનીમાં દરરોજ બે કરોડથી ઉપર રો પાણીપુરી બને છે. જેમાં ઈમોજી પાણીપુરી ફક્ત થોડા દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ પહેલા આ કંપની દ્વારા સોના-ચાંદીની પાણીપુરી પણ બનાવવામાં આવી હતી. ઈમોજી પાણીપુરીની કિંમતની વાત કરીએ તો, ઈમોજી પાણીપુરીની પ્લેટ 101 રૂપિયાની છે. જેનો સ્વાદ માણવા માટે લોકો આલ્ફા વન મોલમાં જતા હોય છે.
ઈમોજી પાણીપુરી લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે: ફ્રેન્ચાઇસી ઓનર
કંપનીના ફ્રેન્ચાઇસી ઓનર નિલેશ ઠાકોરનું આ પાણીપુરીને લઈને કહેવું છે કે, ઈમોજી પાણીપુરી લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડાક જ સમયમાં ઈમોજી પાણીપુરી ખૂબ વાયરલ થઈ ગઈ છે. લોકોને હસતા રહીને ખાવું ખૂબ પસંદ પડતું હોય છે. તેમાંય જો ખાવાનું પણ તમારી જોડે હશે તો કેવું લાગશે? તે જ વિચારીને આ ઈમોજી પાણીપુરીની શરૂઆત કરવામાં આવી છે. હજુ પણ આગળ આ રીતના જ પાણીપુરીમાં અલગ અલગ ઇનોવેટિવ કરતા જઈશું અને લોકો સુધી નવી નવી પાણીપુરી લાવતા રહેશો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર