હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી “માર્ગ સલામતી અને સુરક્ષા માસ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રોડ સેફ્ટી અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
માર્ગ સલામતી અંતર્ગત લોકોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુ સાથે પાલનપુરના ફિલ્મ મેકર અને યુવા ફિલ્મ ડાયરેક્ટર નયન ચત્રારિયા દ્વારા એક શોર્ટ ફિલ્મ “Life…!!” નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના વરદ હસ્તે આ શોર્ટ ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બનાસકાંઠાના જાણીતા સેવાભાવી તબીબ ડો. સુરેન્દ્ર ગુપ્તા, ડાયરેકટર નયન ચત્રારિયા સહિત આ ફિલ્મના મુખ્ય અભિનેતા રાજ વાગડોદા અને ચાઈલ્ડ એક્ટર કુમાર ચત્રારિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ આ ફિલ્મનું નિર્માણ કરી સામાજિક જાગૃતિ કાર્ય કરવા નયન ચત્રારિયા અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
બાઈક અને મોપેડ જેવા ટુ વ્હીલર માં ચાલુ વાહને કેટલાક લોકો મોબાઇલમાં વાત કરતા હોય છે અને એ વખતે કેવી કરુણ પરિસ્થિતિ સર્જાય છે એનું તાદ્રશ્ય વર્ણન આ શોર્ટ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં રાજ વાગડોદા, હિના પટેલ અને બાળ કલાકાર કુમાર ચત્રારિયા એ ભૂમિકા ભજવી છે. ફિલ્મનો કોન્સેપ્ટ નયન ચત્રારિયા દ્વારા જ તૈયાર કરીને આ ફિલ્મ “પાલનપુર ટ્રાફિક પોલીસ” ને અર્પણ કરવામાં આવી છે. વિશેષ માં આ શોર્ટ ફિલ્મ નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ કરવામાં આવનાર છે.
